ઉનાળાની બળબળતી બપોરે એક ઠંડાપીણાવાળાની દુકાન પર ભીડ જામી હતી. તાપથી રાહત મેળવવા બધા પોતાના મનપસંદ ઠંડા પીણાની મોજ માણી રહ્યા હતા. એક ફાટેલા તુટેલા કપડા પહેરેલી અને વિખરાયેલા વાળ વાળી છોકરી જાત જાતના પીણા પી રહેલા આ લોકોને ટીકી ટીકીને જોયા કરતી હતી.
એકભાઇનું આ છોકરી પર ધ્યાન પડ્યુ. એ દુર ઉભી હતી એટલે પેલા ભાઇએ એને નજીક બોલાવી પણ છોકરી ત્યાં આવવામાં સંકોચ અનુભવતી હતી. કદાચ એના ગંદા અને ફાટેલા કપડા એને ત્યાં ઉભેલા સજ્જન માણસો પાસે જતા અટકાવતા હશે આમ છતા થોડી હિંમત કરીને એ નજીક આવી.
પેલા ભાઇએ પુછ્યુ, " તારે લસ્સી પીવી છે ? " છોકરી 'હા' બોલી એ સાથે મોઢુ પણ ભીનુ ભીનુ થઇ ગયુ. છોકરી માટે ડ્રાયફ્રુટ સ્પેશિયલ લસ્સીનો ઓર્ડર આપવામાં આવ્યો. લસ્સીનો ગ્લાસ છોકરીના હાથમાં આવ્યો અને એ તો આંખો ફાડીને ગ્લાસમાં લસ્સીની ઉપર રહેલા કાજુબદામને જોઇ રહી. એણે પેલા ભાઇ સાથે આભારવશ નજરે વાત કરતા કહ્યુ, " શેઠ, જીંદગીમાં કોઇ દી આવુ પીધુ નથી. સુગંધ પણ કેવી જોરદાર આવે છે." આટલુ બોલીને એણે લસ્સીનો ગ્લાસ પોતાના મોઢા તરફ આગળ કર્યો. હજુ તો ગ્લાસ હોંઠને સ્પર્શે એ પહેલા એણે પાછો લઇ લીધો.
ગ્લાસ દુકાનવાળા ભાઇને પાછો આપીને એ છોકરી બોલી, " ભાઇ, મને આ લસ્સી પેક કરી દોને. ગમે તે કોથળીમાં ભરી દેશો તો પણ ચાલશે." દુકાનવાળા ભાઇને છોકરી પર થોડો ગુસ્સો આવ્યો. છોકરીને તતડાવીને કહ્યુ, " છાનીમાની ઉભી ઉભી પી લે અહીંયા. લસ્સીનું પેકીંગ કરાવીને તારે શું કરવુ છે? "
છોકરીએ ભરાયેલા અવાજે દુકાનવાળાને કહ્યુ, " ભાઇ, તમારી લસ્સી કેવી સરસ છે. ઘરે મારે નાનો ભાઇ છે એને આવી લસ્સી કેદી પીવા મળશે ? મારા ભઇલા માટે લઇ જવી છે મને પેકીંગ કરી આપોને ભાઇ ! " છોકરીના આટલા શબ્દોએ ત્યાં ઉભેલા દરેક પુરુષની આંખના ખુણા ભીના કરી દીધા કારણકે બધાને પોતાની બહેન યાદ આવી ગઇ.
મિત્રો, પોતાના ભાગનું કે પોતાના નસિબનું જે કંઇ હોઇ એ એક બહેન પોતાના ભાઇ માટે કુરબાન કરી દે છે આવી પ્રેમના સાક્ષાત સ્વરૂપ સમી બહેનનું તો આપણે કંઇક ઓળવી નથી જતાને ? જરા તપાસજો.
~ Source Social Media
No comments:
Post a Comment